પ્રેમના અલ્લડ દિવસોની એક કથા ચલો સંભળાવું…
એક હસતી રમતી હતી છોકરી… ગાંડો-ઘેલો હું!
મળવાનું કોઈ કારણ નહીં ને રોજ અમસ્તાં મળતાં,
આંબા ડાળે કોયલ હોય ને ગીત અમે ગણગણતાં!
ઘરઘર રમતાં, ખિસકોલીની પાછળ દોડી જાતાં,
શેરીઓમાં પાચીકા થઈ જેમતેમ ઉછ્છળતાં!
કો’ક મેઘલી સાંજે કરતાં છબછબિયાંને વ્હાલાં,
વાદળને દેતા ‘તાં નામો આડાંઅવળાં કાલાં!
મેઘધનુને આંબી લેતા હાથ કરીને ઊંચો,
કેટકેટલા રંગો સાથે જોયા બસ ના પૂછો!
એમ વહ્યા એ દિવસો જાણે ઝરણું ગાંડુંતૂર,
બન્ને કાંઠે નરી લાગણી સગપણનું ઘર દૂર!
એકમેકની નજરુંમાં અમે ખુશી બનીને વસતાં,
લડી પડીને કટ્ટી કરતાં તોય ફરીથી મળતાં!
આજ હ્રદય એ દિવસો ઝંખે સ્વાર્થ વિનાના રોજ,
આજ બધું છે તેમ છતાંયે જીવન લાગે બોજ!
આજ વરસતાં આંસુ એમાં ઓળઘોળ ભીજાઉં,
એક હસતી રમતી હતી છોકરી ગાંડો-ઘેલો હું!