Friday, August 20, 2010

તને સમજાવું બોલ હવે કેમ ?

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ